અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ–2026 અંતર્ગત M.J. લાઇબ્રેરી ખાતે ‘હેરિટેજ રીડિંગ’ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, 14 ઓગસ્ટ, 2026: અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ–2026 અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બુક ટોક ક્લબના સંયુક્ત ઉપક્રમે ઐતિહાસિક M.J. લાઇબ્રેરી ખાતે ‘હેરિટેજ રીડિંગ’ કાર્યક્રમ યોજાયો હતો. સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ નાગરિકોમાં વાંચનની ટેવ વિકસાવવાનો અને ઐતિહાસિક વારસાસ્થળ સાથે વાંચનનો અનુભવ જોડવાનો હતો.

‘હેરિટેજ રીડિંગ’ કાર્યક્રમમાં 50થી વધુ વાચકોએ લીધો ભાગ

કાર્યક્રમમાં 50થી વધુ પુસ્તકપ્રેમીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓને M.J. લાઇબ્રેરીમાંથી પોતાની પસંદગીનું પુસ્તક પસંદ કરી એક કલાક સુધી શાંતિપૂર્વક વાંચવાનો અવસર મળ્યો હતો.

એક કલાકના વાંચન બાદ સહભાગીઓએ પોતે વાંચેલા પુસ્તકો અંગે પોતાના વિચારો, અનુભવો અને રિવ્યૂ રજૂ કર્યા હતા. વિવિધ વયજૂથના વાચકોએ પુસ્તકમાંથી મળેલા સંદેશ, જીવનમૂલ્યો અને પોતાના અનુભવો અન્ય સહભાગીઓ સાથે શેર કર્યા હતા.

“જે રીડર હોય એ જ લીડર બને”

મુખ્ય અતિથિ તરીકે ડૉ. મહેશભાઈ સોલંકી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ગ્રંથપાલ, ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાંચનના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, “જે રીડર હોય એ જ લીડર બને.” તેમણે જણાવ્યું કે પુસ્તકો વ્યક્તિના વિચારો, દૃષ્ટિકોણ અને વ્યક્તિત્વના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને નિયમિત વાંચન માટે શપથ લેવડાવી.

વાંચનમાં ‘અનુભૂતિ’નું મહત્ત્વ

બુક ટોક ક્લબના કો-ફાઉન્ડર હર્ષ બારોટે જણાવ્યું હતું કે પુસ્તક પૂરું કરવું જેટલું મહત્વનું છે, તેટલું જ મહત્વનું વાંચનમાંથી મળતી ‘અનુભૂતિ’ છે. વાંચન બાદ વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાની તક મળે ત્યારે વાંચન વધુ અર્થસભર બને છે.

વાંચન, વારસો અને સ્વતંત્રતાના મૂલ્યોનો સંગમ

‘હેરિટેજ રીડિંગ’ કાર્યક્રમ દ્વારા વાંચન, ઐતિહાસિક વારસો અને સ્વતંત્રતાના મૂલ્યોને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. M.J. લાઇબ્રેરી જેવા ઐતિહાસિક સ્થળે પુસ્તક વાંચવાનો અનુભવ સહભાગીઓ માટે વિશેષ અને અર્થસભર રહ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન પુસ્તક પ્રત્યેનો પ્રેમ, વિચારોની આપ-લે અને વાંચનની એકાગ્રતા જોવા મળી હતી. વિવિધ વયજૂથના સહભાગીઓએ વાંચનને લઈને પોતાના વિચારો અને અનુભવો વ્યક્ત કર્યા હતા.

અમદાવાદમાં વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન

“વાંચો, વિચારો અને અનુભવો”ના સંદેશ સાથે યોજાયેલ આ પહેલ અમદાવાદમાં વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી અને નાગરિકોને પુસ્તકો સાથે જોડતી એક અર્થસભર પહેલ બની રહી હતી.

આ પ્રકારના હેરિટેજ રીડિંગ કાર્યક્રમો દ્વારા ઐતિહાસિક સ્થળોની મુલાકાતને વાંચન અને જ્ઞાન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે યુવાનો તેમજ પુસ્તકપ્રેમીઓમાં વાંચન પ્રત્યે વધુ રસ વિકસાવવામાં મદદરૂપ બની શકે છે.

Social Posts

Gallery

Event Details

Ahemadabad, Gujarat
14 August, 2026
MJ Library